
નર્સિંગ સ્ટાફે દર્દીઓ સાથે મીઠી વાણી અને નમ્રતાથી વર્તવાના લીધા શપથ
આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ નર્સિંગ કર્મચારીઓને તેમના નિઃસ્વાર્થ સેવા બદલ અભિનંદન પાઠવ્યા
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આજે ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ-૨૦૨૬’ની ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની વૈશ્વિક થીમ “Our Nurses. Our Future. Caring for Nurses Strengthens Health Systems” ને કેન્દ્રમાં રાખીને હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા વિવિધ પ્રેરણાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ નર્સિંગ કર્મચારીઓને તેમની નિઃસ્વાર્થ સેવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ-૨૦૨૬’ની ઉજવણીથી નર્સિંગ કર્મચારીઓમાં નવી ઊર્જાનો સંચાર થયો છે. વધુમાં, ‘દર્દી દેવો ભવ’ની ભાવનાને સાર્થક કરવા મંત્રીશ્રીએ નર્સિંગ સ્ટાફને દર્દીઓ અને તેમના સ્વજનો સાથે હંમેશા નમ્રતા, સંવેદનશીલતા અને મધુર વાણીથી વર્તવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ તકે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ‘નિઃસ્વાર્થ સેવા, કરુણા અને માનવતા એ જ નર્સિંગ વ્યવસાયની સાચી ઓળખ છે તેમ શ્રી જોશીએ ઉમેર્યું હતું.
‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ-૨૦૨૬’ની ઉજવણીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે નર્સિંગ સ્ટાફ માટે રંગોળી સ્પર્ધા, પોસ્ટર પ્રદર્શન અને વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓના માધ્યમથી કર્મચારીઓએ નર્સિંગ વ્યવસાયનું મહત્વ અને તેની સામાજિક જવાબદારીઓને કલાત્મક રીતે રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નર્સિંગ અધિક્ષક શ્રી રોમાંચ ઉપાધ્યાયે કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે તમામ નર્સિંગ સ્ટાફે ત્રણ મુખ્ય સંકલ્પોનો સ્વીકાર કર્યો છે જેમાં
1. સશક્ત બનો: સતત શિક્ષણ અને આધુનિક તાલીમ દ્વારા પોતાના વ્યાવસાયિક કૌશલ્યમાં વૃદ્ધિ કરવી.
2. અવાજ બનો: સુરક્ષિત કાર્યસ્થળ અને ન્યાયયુક્ત સન્માન મેળવવા માટે હંમેશા જાગૃત રહેવું.
3. પ્રેરણા બનો: નવી પેઢીને આ ઉમદા અને માનવીય સેવાના વ્યવસાયમાં જોડાવા માટે સતત પ્રોત્સાહિત કરવી તેમ તેમણે ઉમેર્યું હતું.