લેખક: અજય ઈન્દ્રેકર
નિવૃત્ત કેન્દ્રીય માહિતી અધિકારી
ભારતીય માહિતી સેવા
જાણીતા અબજોપતિ એલોન મસ્ક લાંબા સમયથી એવો તર્ક આપી રહ્યા છે કે ઘટતો પ્રજનન દર માનવ સભ્યતા માટે સૌથી મોટા ખતરાઓમાંથી એક છે. તાજેતરના વર્ષોમાં તેમની ચેતવણીઓ જાપાન અને દક્ષિણ કોરિયા જેવા વૃદ્ધ થઈ રહેલા સમાજો પર કેન્દ્રિત રહી છે. હવે તેમણે પોતાનું ધ્યાન વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારત તરફ વાળ્યું છે.
એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘ભારતનો જન્મ દર રિપ્લેસમેન્ટ રેટ (પ્રતિસ્થાપન દર) કરતા નીચે આવી ગયો છે. સૌથી વધુ શિક્ષિત લોકોમાં તો ભારતનો જન્મ દર ઘણા વર્ષો પહેલા જ પ્રતિસ્થાપન દરથી નીચે જતો રહ્યો હતો
સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ (UNFPA) ના વિશ્વ વસ્તી અહેવાલ ૨૦૨૫ અનુસાર, ભારતનો કુલ પ્રજનન દર (TFR) ઘટીને પ્રતિ મહિલા ૧.૯ બાળક રહી ગયો છે.
સામાન્ય રીતે ૨.૧ ના પ્રજનન દરને રિપ્લેસમેન્ટ લેવલ (પ્રતિસ્થાપન સ્તર) માનવામાં આવે છે, જેનો અર્થ એ થાય કે સ્થળાંતર વિના એક પેઢીથી બીજી પેઢી સુધી વસ્તીને સ્થિર રાખવા માટે દરેક મહિલાએ સરેરાશ આટલા બાળકોને જન્મ આપવો જોઈએ. તેથી ભારતનો વર્તમાન પ્રજનન દર આ મર્યાદા કરતા નીચે છે.
૧૯૫૦ માં, આઝાદીના થોડા જ વર્ષો પછી ભારતની વસ્તી આશરે ૩૬ કરોડ હતી. આજે ભારતની વસ્તી આશરે ૧૪૫ કરોડ છે, જે વિશ્વની કુલ વસ્તીનો લગભગ છઠ્ઠો ભાગ છે. ભૂતકાળમાં ઘણા લોકોએ વસ્તી વિસ્ફોટની આશંકા વ્યક્ત કરી હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ માં આવી સંભાવના અંગે ચેતવણી આપી હતી. ૨૦૨૩ માં ચીનને પાછળ છોડીને ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો. જો કે, આજે ભારત એક બિલકુલ અલગ પડકારનો સામનો કરી રહ્યું છે.
> “સ્ટોકહોમ યુનિવર્સિટીના પોફેસર માટિર્ન કોલ્ક જણાવે છે અર્થશાસ્ત્ર અને નીતિથી પરે લોકોના મૂલ્યોમાં એક મોટો બદલાવ આવ્યો છે, જેમાં લોકો સંતાન પ્રાપ્તિની સરખામણીમાં જીવનના અન્ય પાસાઓને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે
ભારતમાં પ્રજનન દર: પ્રતિસ્થાપન સ્તરથી ઓછો
મૅક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોગ્રાફિક રિસર્ચના ડેમોગ્રાફર મોરધ્વજ ધાકડે જણાવ્યું કે, અગાઉના અંદાજો મુજબ ભારત ૨૦૩૦ થી ૨૦૩૫ વચ્ચે પ્રતિસ્થાપન સ્તરથી નીચેના પ્રજનન દર સુધી પહોંચવાનું હતું, પરંતુ દેશે આ સ્થિતિ આશરે ૨૦૨૦ માં જ હાંસલ કરી લીધી.
ભારતના કેટલાક રાજ્યોમાં પ્રજનન દર વિકસિત અર્થતંત્રો જેવો થઈ ગયો છે. આનાથી વિપરીત, બિહારમાં પ્રતિ મહિલા અંદાજે ૩.૦ બાળકો સાથે દેશનો સૌથી ઊંચો પ્રજનન દર ધરાવે છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં આ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે એટલે કે આશરે ૨.૪ છે.
ભારતમાં બાળક પેદા કરવામાં સૌથી મોટા અવરોધો કયા છે?
રિપોર્ટ અનુસાર, લોકો નીચેની સામાજિક અને આર્થિક મર્યાદાઓના કારણે બાળકો પેદા કરવાનું ટાળી રહ્યા છે અથવા ઓછું પસંદ કરી રહ્યા છે:
* *આર્થિક મર્યાદાઓ:* ૩૮ ટકા
* *આવાસ સંબંધી મર્યાદાઓ:* ૨૨ ટકા
* *બેરોજગારી અથવા નોકરીની અસલામતી:* ૨૧ ટકા
* *યોગ્ય કે ગુણવત્તાયુક્ત શિક્ષણ-ઉછેરના વિકલ્પોનો અભાવ:* ૧૮ ટકા
* *ખરાબ સામાન્ય સ્વાસ્થ્ય અથવા લાંબી બીમારીઓ:* ૧૫ ટકા
* *પ્રજનન ક્ષમતા અથવા ગર્ભાવસ્થા સંબંધિત તબીબી સંભાળમાં અવરોધો:* ૧૪ ટકા
* *વંધ્યત્વ અથવા ગર્ભધારણમાં મુશ્કેલી:* ૧૩ ટકા
* *ઘરના કામો કે બાળકના ઉછેરમાં પાર્ટનરની અપૂરતી ભાગીદારી:* ૧૪ ટકા
અહેવાલમાં એક ૧૮ વર્ષની યુવતીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ‘સાચો જીવનસાથી શોધવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મારું માનવું છે કે બાળકનો ઉછેર એ એક સહિયારી જવાબદારી હોવી જોઈએ જેમાં બંને માતા-પિતા તરફથી ભાવનાત્મક અને આર્થિક સહયોગ મળે.’
ભારતમાં વસ્તી વૃદ્ધિ કેમ ચાલુ છે?
જો કે, રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રજનન દર ઘટવાનો અર્થ એ નથી કે વસ્તી પણ તાત્કાલિક ઘટી રહી છે. ભારતના કિસ્સામાં, વસ્તી વૃદ્ધિને તેનું વય માળખુ ટેકો આપી રહ્યું છે. મોટી અને યુવાન વસ્તીનો અર્થ એ છે કે દર વર્ષે લાખો લોકો પ્રજનન વયમાં પ્રવેશી રહ્યા છે. આને નિષ્ણાતો “પોપ્યુલેશન મોમેન્ટમ” (વસ્તી વેગ)* કહે છે. ભલે દરેક દંપતીને ઓછા બાળકો હોય, તેમ છતાં કુલ જન્મોની સંખ્યા ઊંચી રહે છે. પરિણામે, ભારતમાં આગામી થોડા દાયકાઓ સુધી વસ્તી વૃદ્ધિ ચાલુ રહેશે, જે બાદમાં અંતે સ્થિર થઈને ઘટવા લાગશે.
વિકાસ એ જ શ્રેષ્ઠ ગર્ભનિરોધક છે
એવું જોવા મળ્યું છે કે વિકાસ જ સૌથી શ્રેષ્ઠ ગર્ભનિરોધક છે. ઉદાહરણ તરીકે, માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારા પર વધુ ધ્યાન આપવાથી પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે માતા-પિતા સમજે છે કે બાળકો પુખ્ત વય સુધી જીવિત રહે તે માટે તેમણે વધુ બાળકો પેદા કરવાની જરૂર નથી.
આ રિપોર્ટ એ ધારણાને પણ પડકારે છે કે ઘટતો પ્રજનન દર પોતાનામાં જ એક મોટું સંકટ છે. તેના બદલે, રિપોર્ટ દલીલ કરે છે કે અસલી મુદ્દો એ છે કે ઘણા લોકો તેટલા બાળકો પેદા કરવામાં અસમર્થ છે જેટલા તેઓ ખરેખર ઈચ્છે છે. ભારતમાં આનું મુખ્ય કારણ આર્થિક અને સામાજિક અવરોધો છે – જેમ કે નાણાકીય દબાણ, આવાસનો ખર્ચ, નોકરીની અસલામતી અને શિશુ સંભાળ સહાયનો અભાવ. સાથે જ, બદલાતી આકાંક્ષાઓ અને લૈંગિક ભૂમિકાઓ લોકોના પરિવાર અને પિતૃત્વ પ્રત્યેના દ્રષ્ટિકોણને નવો આકાર આપી રહ્યા છે.
આખરે આનો અર્થ શું છે?
એકંદરે રિપોર્ટનો સંદેશ સ્પષ્ટ છે. ભારત વસ્તીમાં કોઈ મોટા ઘટાડાનો સામનો નથી કરી રહ્યું, પરંતુ એક જનસાખિક પરિવર્તન (Demographic Transition) માંથી પસાર થઈ રહ્યું છે. રિપોર્ટ તર્ક આપે છે કે ધ્યાન વસ્તીના કદ પર નહીં, પરંતુ આ વાત પર હોવું જોઈએ કે શું વ્યક્તિઓને બાળકો પેદા કરવા અંગે સમજી-વિચારીને નિર્ણય લેવાની સ્વતંત્રતા અને સમર્થન મળી રહ્યું છે કે નહીં.
UNFPA નો રિપોર્ટ કહે છે કે સમસ્યાનો ઉકેલ પ્રજનન દરને જબરદસ્તીથી વધારવા કે ઘટાડવામાં નથી. તેના બદલે, એવી નીતિઓની જરૂર છે જે વ્યક્તિઓને મુક્ત અને માહિતગાર રહીને પ્રજનન સંબંધી નિર્ણયો લેવામાં સક્ષમ બનાવે. પ્રજનન દર ઘટાડવો એ પ્રજનન દર વધારવા કરતાં સરળ છે. ભલે ભારતમાં જન્મ દર ઘટી રહ્યો હોય જેવો મસ્ક દાવો કરે છે, પરંતુ એ ધારણા કે દેશ કોઈ અચાનક આવી પડનારા વસ્તી સંકટનો સામનો કરી રહ્યો છે, તે તદ્દન ખોટી છે.
Very nice informative article