
‘કૃષ્ણાવતારમ’ એ ત્રણ ભાગમાં વહેંચાયેલી એક મહત્ત્વાકાંક્ષી ફ્રેન્ચાઇઝ છે. તેનો પ્રથમ ભાગ ૭ મે ૨૦૨૬ના રોજ વૈશ્વિક સ્તરે રિલીઝ થવા જઈ રહ્યો છે. ફિલ્મનું વૈશ્વિક વિતરણ એએ ફિલ્મ્સ (AA Films) કરશે, જ્યારે સંગીતના અધિકારો સારેગામા પાસે છે. આ ફિલ્મ ભારતીય સિનેમામાં આધ્યાત્મિકતા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી એક નવો ઇતિહાસ રચશે તેમ માનવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિના આરાધ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણની દૈવી લીલાઓ હવે મોટા પડદા પર જીવંત થવા જઈ રહી છે. મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કૃષ્ણાવતારમ’નું ટ્રેલર મથુરાની પવિત્ર કૃષ્ણ જન્મભૂમિ ખાતે હજારો ભક્તોની મેદની વચ્ચે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર એક ફિલ્મી પ્રમોશન નહીં, પરંતુ ભક્તિનો એક મહાકુંભ બની રહ્યો હતો, જ્યાં મથુરા અને વૃંદાવનના આકાશમાં ‘જય શ્રી કૃષ્ણ’ના નાદ ગુંજી ઉઠ્યા હતા.
આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ એક અનોખી ઘટના બની રહી, કારણ કે તેનું અનાવરણ માત્ર એક સ્થળ પૂરતું મર્યાદિત નહોતું. મથુરા જન્મભૂમિ ઉપરાંત રમણ રેતી મંદિર, રાધા રાણી મંદિર, પ્રેમ મંદિર અને ઇસ્કોન વૃંદાવન જેવા મુખ્ય ધાર્મિક સ્થળોએ પણ આધ્યાત્મિક વાતાવરણમાં ટ્રેલર રજૂ કરાયું હતું. ભક્તો અને દર્શકો માટે આ એક એવો અનુભવ હતો જે તેમને સીધા દ્વાપર યુગની દૈવી યાત્રા પર લઈ ગયો હોય તેવો અહેસાસ કરાવતો હતો.
ફિલ્મની ભવ્યતા પાછળ મનોરંજન જગતના માંધાતાઓનું યોગદાન છે. જાણીતા લેખક પ્રકાશ કાપડિયા અને રામ મોરીની કલમે આ વાર્તાને આકાર આપ્યો છે.
સિનેમેટોગ્રાફી: અયાનંકા બોઝના વિઝ્યુઅલ્સ ફિલ્મને એક નવી ઊંચાઈ આપે છે, સંગીત અને ગીતમાં પ્રસાદ એસનું સંગીત અને ઇર્શાદ કામિલના હૃદયસ્પર્શી ગીતો આધ્યાત્મિક ભાવ પેદા કરે છે. ડિઝાઇન- નિધી યશાના કોસ્ટ્યુમ અને ચોક્કસ ભારદ્વાજની પ્રોડક્શન ડિઝાઇન પૌરાણિક કાળને આબેહૂબ રીતે રજૂ કરે છે.
દિગ્દર્શક હાર્દિક ગજ્જરના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ ફિલ્મને સાજન રાજ કુરુપ, શોભા સંત, પૂનમ શ્રોફ અને પર્થ ગજ્જર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
