નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ ‘પદ્મશ્રી’થી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસના વરદ્ હસ્તે ગાંધીનગર કેમ્પસ ખાતે અદ્યતન “લાઇબ્રેરી RFID ઇન્ફ્રાસ્ટ્રક્ચર” અને નવા “ઓનલાઈન લાઈબ્રેરી પોર્ટલ”નું ઉદ્ઘાટન તા.3 સપ્ટેમ્બર, 2026ના રોજ કરવામાં આવ્યું.

આ પ્રસંગે NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસ દ્વારા જણાવાયું હતું કે, આજે નવા શરૂ કરાયેલ ઓનલાઈન લાઈબ્રેરી પોર્ટલથી NFSUના તમામ કેમ્પસમાં ઉપલબ્ધ પુસ્તકોની શોધ કરી શકાશે. પુસ્તક તથા સંશોધન સંબંધિત સામગ્રીની ઉપલબ્ધતા ઝડપી બનશે. જેનાથી વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપકોનો સમય બચશે. જ્યારે RFID ટેકનોલોજી અત્યાધુનિક, સુરક્ષિત અને વપરાશકર્તા-કેન્દ્રિત પુસ્તકાલય ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે. જે NFSUની ડિજિટલ પરિવર્તન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વિશ્વસ્તરીય અત્યાધુનિક ટેક્નોલોજી સક્ષમ ક્ષમતાની સુવિધા સંશોધન માટે ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને સિદ્ધ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, RFID-સક્ષમ સિસ્ટમથી NFSU લાઈબ્રેરીની દૈનિક કામગીરી વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ બનશે. થ્રી-ઇન-વન સેલ્ફ કિયોસ્ક દ્વારા યુઝર્સ પોતાની જાતે જ બાયોમેટ્રિક (Biometric), બારકોડ (Barcode) અથવા Mi-Fare કાર્ડ ઓથેન્ટિકેશન દ્વારા પુસ્તકો ઇશ્યૂ અને રિટર્ન કરી શકશે. જ્યારે ‘RFID હેન્ડહેલ્ડ રીડર’ ડિવાઇસ દ્વારા સ્ટોક વેરિફિકેશન તેમજ ગુમ કે મિસથયેલા થયેલા પુસ્તકોની ઝડપી ઓળખ શક્ય બનશે. પુસ્તકાલયમાં વિશિષ્ટ એવો ‘RFID સિક્યુરિટી ગેટ’ છે. જેનાથી અનધિકૃત રીતે અથવા ઇશ્યૂ કરાવ્યા વગર પુસ્તક બહાર લઈ જવાનો પ્રયાસ થશે તો આ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક એલાર્મ વાગશે. દરવાજો લોક થઇ જશે. સંબંધિત વ્યક્તિનો ફોટો કેપ્ચર થશે અને તુરંત લાઈબ્રેરિયનને ઈમેલથી એલર્ટ પણ મોકલશે.
ઉદ્ઘાટન સમારોહમાં NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે;NFSU-ગોવાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી; NFSU-દિલ્હીના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, ડીન, એસોસિયેટ ડીન, ડેપ્યુટી લાયબ્રેરિયન ડો.મિતેશ પંડ્યા અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.