મુસાફરોની સુવિધામાં વધારો કરવા, પ્રાદેશિક રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા તેમજ ધાર્મિક પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારતીય રેલવે દ્વારા ગુજરાતને બે નવી રેલ સેવાઓની ભેટ આપવામાં આવી છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમુ રેલ સેવા તથા સાબરમતી–વારાણસી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે બેચરાજી રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં માનનીય સાંસદ શ્રી હરિભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર, અમદાવાદના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ સહિત અન્ય જનપ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ, સાબરમતી રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદના માનનીય મેયર શ્રી હિતેશભાઈ બારોટ, માનનીય સાંસદ શ્રી રાજેશ શુક્લા, માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, માનનીય ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી જિતેન્દ્ર કુમાર પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી કૌશિક જૈન, માનનીય ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટ, માનનીય ધારાસભ્ય ડૉ. હસમુખભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહ, માનનીય ધારાસભ્ય ડૉ. પાયલબેન કુકરાણી, માનનીય ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાદડિયા તથા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરક શાહ સહિત અન્ય જનપ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે સાબરમતી–બેચરાજી–મહેસાણા મેમુ રેલ સેવાનો પ્રારંભ આ વિસ્તાર માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે.

આ નવી રેલ સેવા દ્વારા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી બહુચર માતા મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓ ઉપરાંત બેચરાજી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત કર્મચારીઓ, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકોને મોટી સુવિધા મળશે.
તેમણે જણાવ્યું હતું કે આ રેલવે માર્ગનું ઐતિહાસિક મહત્ત્વ છે. વર્ષ 1908માં વડોદરા રિયાસત ના સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં રેલવે સેવાની શરૂઆત થઈ હતી.
ત્યારબાદ ગેજ પરિવર્તનના કાર્યને કારણે મીટર ગેજ પરની પેસેન્જર સેવાઓ બંધ થઈ ગઈ હતી. ગેજ પરિવર્તનનું કાર્ય પૂર્ણ થયા બાદ આ રેલવે ખંડ પર માલગાડીઓનું સંચાલન કરવામાં આવતું હતું. હવે આ માર્ગ પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ થવાથી વિસ્તારના લોકોને રેલ પરિવહનની નવી સુવિધા પ્રાપ્ત થઈ છે.
ઔદ્યોગિક વિસ્તારના કામદારો અને શ્રદ્ધાળુઓને મળશે સુવિધા
શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે બેચરાજી વિસ્તાર ધાર્મિક આસ્થા ઉપરાંત ઔદ્યોગિક પ્રવૃત્તિઓની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. અહીં મારુતિ સુઝુકીના હાંસલપુર સ્થિત પ્લાન્ટ સહિત અનેક નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે. નવી મેમુ રેલ સેવા દ્વારા ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓને અવરજવર માટે અનુકૂળ પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે.
ટ્રેનનું સમયપત્રક એવી રીતે નક્કી કરવામાં આવ્યું છે કે દૈનિક મુસાફરો અને ઔદ્યોગિક કર્મચારીઓની સાથે શ્રી બહુચર માતાનાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને પણ તેનો લાભ મળી શકે.
સાબરમતી, અમદાવાદ, કલોલ, કડી, કટોસણ રોડ, ચાણસ્મા, રણુંજ, મહેસાણા અને બેચરાજી જેવા વિસ્તારો વચ્ચે વધુ સારી રેલ કનેક્ટિવિટીને કારણે મુસાફરી સરળ બનશે.
તેમણે જણાવ્યું હતું કે આ નવી સેવા દ્વારા કામદારોને પોતાના કાર્યસ્થળે પહોંચવામાં અને કામ પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરવામાં સરળતા રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોને પણ નિયમિત અવરજવર માટે સસ્તો પરિવહન વિકલ્પ મળશે.
કિફાયતી માસિક સીઝન ટિકિટથી મુસાફરોને રાહત
નવી મેમુ રેલ સેવાનો એક મહત્ત્વપૂર્ણ લાભ તેનું કિફાયતી ભાડું છે. સાબરમતીથી બેચરાજીનું ભાડું માત્ર ₹25, રણુંજનું ₹30 અને મહેસાણાનું ₹35 છે.
સાબરમતીથી બેચરાજી સુધી મુસાફરી કરતા મુસાફરો માટે માસિક સીઝન ટિકિટ માત્ર ₹355 માં ઉપલબ્ધ રહેશે, જ્યારે વિદ્યાર્થીઓ માટે માસિક સીઝન ટિકિટની કિંમત ₹180 નક્કી કરવામાં આવી છે.
આ ઉપરાંત, 60 કિલોગ્રામ સુધીનો સામાન લઈ જતા નાના વેપારીઓ, ખેડૂતો તેમજ દૂધ અને શાકભાજીના વેચાણકારો માટે માસિક સીઝન ટિકિટ ₹535માં ઉપલબ્ધ રહેશે.
આનાથી સ્થાનિક ઉત્પાદકો અને નાના વેપારીઓને પોતાનો માલ બજાર સુધી પહોંચાડવામાં સુવિધા મળશે તેમજ પરિવહન ખર્ચમાં બચત થશે.
સાબરમતી–વારાણસી એક્સપ્રેસથી ત્રણ રાજ્યો વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત બનશે
ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટી સુધારવાના હેતુથી સાબરમતી અને વારાણસી વચ્ચે નવી દૈનિક ટ્રેન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનાં મુખ્ય શહેરોને રેલવે નેટવર્ક સાથે જોડીને લાંબા અંતરની મુસાફરી માટે મુસાફરોને અનુકૂળ વિકલ્પ પૂરો પાડશે.
સાબરમતી–વારાણસી એક્સપ્રેસ તેના માર્ગમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, મંડાવર મહવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા જંક્શન, ટુંડલા જંક્શન, ગોવિંદપુરી, સુબેદારગંજ અને મિર્ઝાપુર સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેન શરૂ થવાથી માર્ગમાં આવતા વિવિધ શહેરોના મુસાફરોને વધુ સારી રેલ કનેક્ટિવિટી મળશે. સાથે જ ગુજરાત અને રાજસ્થાનથી ઉત્તર પ્રદેશની મુસાફરી કરતા વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તથા અન્ય મુસાફરોને પણ સુવિધા મળશે.