35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો
વર્ષ 1992ની હત્યાના તાર વટવામાં જમીન નીચે દફન

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં કુતુબનગર આવેલું છે. જ્યાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બુધવારે વહેલી સવારથી JCB લઈને ખોદકામ કરતી જોવા મળી. જોકે આ ખોદકામ પાછળનું કારણ એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયાસનો ભાગ હોવાનું જાણવા મળતા વિસ્તારમાં સનસનાટી મચી હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ મામલે માહિતી મળી કે 35 વર્ષ પહેલા એટલે જે 1992 માં એક યુવતીની લગ્નેતર સંબંધોમાં હત્યા કરી તેની લાશને કૂવામાં ફેંકી દેવામાં આવી હતી, જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે FSL ને સાથે રાખીને સ્થળ પર ખોદકામ કરતા ત્યાંથી માનવ અવશેષો જેમાં હાડકા, વાળ અને એક વીંટી પણ મળી આવી છે.
મુંબઈની ફરઝાના ઉર્ફે શબનમને પ્રેમને બદલે મોત મળ્યું
વર્ષ 1992ની વાત છે, મુંબઈની ફરઝાના ઉર્ફે શબનમ નામની યુવતીને વટવાના સમસુદ્દીન સાથે પ્રેમસંબંધ હતો, જેથી તે વટવા આવી, જોકે સમસુદ્દીન પરિણીત હોવાથી તેનો ફરઝાના સાથે ઝઘડો થયો અને તેણે ફરઝાનાને મોતને ઘાટ ઉતારી નાખી અને તેની લાશને ઘર આગળ આવેલા કુવામાં ફેંકી દીધી. જોકે હત્યા બાદ આરોપીના પરિવારજનોને સતત તે હાજર હોવાનો ભ્રમ અને આભાસ થતો હતો, જેના કારણે તેઓ ભય અને માનસિક તણાવમાં આવી જતા રાહત મેળવવા તાંત્રિક વિધિનો સહારો લીધો. જેના દરમિયાન સમગ્ર માહિતી બહાર આવી અને ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો પર્દાફાશ કર્યો.
ક્રાઈમ બ્રાન્ચને સહ આરોપીઓ અને પ્રત્યક્ષદર્શી મળી આવ્યા
કહેવાય છે કે યુવતીની હત્યા કરનાર આરોપી સમસુદ્દીન હાલ હયાત નથી, જોકે સહ આરોપીઓ અને પ્રત્યક્ષદર્શી ક્રાઈમ બ્રાન્ચને મળી આવતા તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચને સ્થળ પરથી મળી આવેલા અવશેષો DNA તપાસ માટે FSL માં મોકલવામાં આવ્યા છે, તેના રિપોર્ટમાં મૃતકની ઓળખ થયા બાદ આરોપીઓ સામે કાયદાનો ગાળીયો કસવામાં આવશે.
