ભારતની બ્રિક્સ 2026ની અધ્યક્ષતા હેઠળ આયોજિત 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકમાં, ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિ મંડળોના વડાઓએ બ્રિક્સ એન્વાયર્નમેન્ટ વર્કિંગ ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલા ચાર નોલેજ કોમ્પેન્ડિયમ (સંગ્રહો)નું અનાવરણ કર્યું હતું. આ દસ્તાવેજો બ્રિક્સ સભ્ય દેશો વચ્ચેના અગ્રણી વ્યવહારો, જ્ઞાન પ્રણાલીઓ અને નવીનતાઓને પ્રતિબિંબિત કરે છે.
આ કોમ્પેન્ડિયમ બ્રિક્સ એન્વાયર્નમેન્ટ વર્કિંગ ગ્રુપમાં હાથ ધરવામાં આવેલી રચનાત્મક ચર્ચાઓનું પરિણામ છે, જે ચાર સંયુક્ત નોલેજ પ્રોડક્ટ્સના વિકાસમાં પરિણમી છે. તે સહયોગની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપે છે અને બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય અનુભવો, અગ્રણી વ્યવહારો, નવીન ઉકેલો અને સ્થાનિક જ્ઞાન પ્રણાલીઓને દર્શાવે છે.

ભારતની બ્રિક્સ 2026 અધ્યક્ષતા હેઠળ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા સંકલિત આ કોમ્પેન્ડિયમ, બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને યુએઇ સહિત બ્રિક્સ સભ્ય દેશોના શ્રેષ્ઠ કેસ સ્ટડીઝને એકત્રિત કરતો જ્ઞાનનો સંગ્રહ છે.
આ કોમ્પેન્ડિયમ દસ્તાવેજીકરણ કરે છે કે કેવી રીતે બ્રિક્સ સભ્ય દેશો નીતિગત નવીનતા, વર્તણૂક પરિવર્તન પહેલો, પર્યાવરણીય શિક્ષણ, સમુદાય ભાગીદારી, ટકાઉ વપરાશ અને ઉત્પાદન, સર્ક્યુલર ઇકોનોમી અભિગમ, ઇકોસિસ્ટમ પુનઃસ્થાપના, સ્વચ્છ ઊર્જા સંક્રમણ અને ગ્રીન વિકાસ કાર્યક્રમો દ્વારા ટકાઉ જીવનશૈલીના ખ્યાલને વ્યવહારિક ક્રિયામાં રૂપાંતરિત કરી રહ્યા છે. ભારતના યોગદાનમાં મિશન લાઈફ, પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અને સંભવ અભિયાનનો સમાવેશ થાય છે. નાગરિક માલિકી, સંદર્ભ-સંચાલિત ઉકેલો અને ડિજિટલ એકીકરણ પર ભાર મૂકીને, આ કોમ્પેન્ડિયમ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલીને આગળ ધપાવવા માટે પીઅર લર્નિંગ, સંયુક્ત સંશોધન અને બહુપક્ષીય સહયોગ માટે બ્લુપ્રિન્ટ પૂરું પાડે છે.