આખી કિડની કાઢવી પડે તેવા જટિલ કેસમાં ડો. શ્રેણિક શાહ અને ટીમે લેપ્રોસ્કોપી વડે માત્ર ગાંઠ જ દૂર કરી કિડની બચાવી લીધી; સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના અનુભવી ડોક્ટરોએ ૫૪ વર્ષીય પુરુષ દર્દી પર જટિલ સર્જરી કરી તબીબી જગતમાં નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે. તબીબોએ અત્યાધુનિક ‘લેપ્રોસ્કોપિક પાર્ટિયલ નેફ્રેક્ટોમી’ પ્રક્રિયા દ્વારા દર્દીની કિડનીમાં રહેલી ૮ સેમી જેટલી મોટી ગાંઠને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી.

સિવિલના યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહે જણાવ્યા મુજબ, ૫૪ વર્ષીય દર્દી છેલ્લા બે મહિનાથી પેટ અને કમરના ડાબા ભાગમાં દુખાવાની ફરિયાદ સાથે આવ્યા હતા. તેઓ અસ્થમા અને બીપીની તકલીફથી પણ પીડાતા હતા.
પેટના સીટી સ્કેન રિપોર્ટમાં ડાબી કિડનીમાં આશરે ૮ સેમી મોટી ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ગાંઠનો કેટલોક ભાગ રક્તપ્રવાહ ન મળવાને કારણે ખરાબ (નેક્રોસિસ) થઈ ગયો હતો. જોકે, કેન્સર કે ગાંઠનો ફેલાવો શરીરના અન્ય ભાગોમાં થયો ન હોવાથી લેપ્રોસ્કોપિક સર્જરી કરીને તેને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી.
સામાન્ય રીતે ૭ સેમીથી મોટી ગાંઠના કિસ્સામાં આખી કિડની કાઢવી પડતી હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહ અને તેમની ટીમે દર્દીની કિડની બચાવવા માટે ‘લેપ્રોસ્કોપિક લેફ્ટ પાર્ટિયલ નેફ્રેક્ટોમી’ કરવાનો નિર્ણય કર્યો હતો.