આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓથી ભારતીય ખેલાડીઓનું મનોબળ વધશે: AAIના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા
ભારત સહિત ૧૯ દેશોના કુલ ૧૦૮ તીરંદાજો પોતાનું કૌવત બતાવશે
વર્લ્ડ પેરાલિમ્પિક ચેમ્પિયન હરવિન્દર સિંહ, વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન શીતલ દેવી, અર્જુન પુરસ્કાર વિજેતા રાકેશ કુમાર અને શ્યામ સુંદર સ્વામી જેવા ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
આર્ચરી ચેમ્પિયનશિપનું ઑફિશિયલ એન્થેમ તેમજ સત્તાવાર મૅસ્કોટ ‘લક્ષ્યમ્’ તથા જરસીનું અનાવરણ કરાયું

ભારતમાં સૌ પ્રથમવાર ‘ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ(WAPS)-2026’ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. ૫ થી ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાશે. જેમાં વિવિધ ૧૯ દેશોના ૧૦૮ જેટલા તીરંદાજો સહિત કુલ ૨૦૦ જેટલા એથ્લિટ્સ, કોચ અને સપોર્ટ સ્ટાફ ભાગ લેશે.
આ અંગે આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ વિગતો આપતા કહ્યું કે આ પ્રકારનાં આંતરરાષ્ટ્રીય આયોજનોથી દેશમાં છુપાયેલી રમત પ્રતિભાઓને બહાર લાવવા માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી તકો ઉપલબ્ધ થઈ રહી છે. જેમાં એનટીપીસી (NTPC) જેવા રાષ્ટ્રીય પ્રાયોજકો પણ મદદરૂપ થઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ દ્વારા ભારતીય ખેલાડીઓનું મનોબળ વધશે અને વિશ્વસ્તરે દેશની રમતગમતની ક્ષમતા પ્રદર્શિત થશે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને પ્રેરણાથી ભારતમાં તીરંદાજીમાં અત્યારે અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે. તેમણે ગુજરાતમાં ‘વર્લ્ડ આર્ચરી પેરા ચેમ્પિયનશિપ’ના આયોજન માટે સહયોગ બદલ રાજ્ય સરકાર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.