By Sanjay Ghamande
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે ચારુસેટ યુનિવર્સિટી દ્વારા 12 જૂન, શુક્રવારે “12 દિવસ • 12 મિનિટ • 12 સ્ટેપ્સ” સૂર્યનમસ્કાર અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવી સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

યોગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી
આ અભિયાન અંતર્ગત સતત 12 દિવસ સુધી સૂર્યનમસ્કારના 12 પગલાં, તેના મંત્રો, શ્વાસોચ્છ્વાસની પદ્ધતિ, ચક્રો અને આરોગ્યલક્ષી લાભોની વિવિધ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સૂર્યનમસ્કારના તમામ 12 આસનોનું મંત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરી યોગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ સમગ્ર અભિયાન ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ, રજિસ્ટ્રાર ડૉ. બિનિત પટેલ તથા યુએલએસસી ચેરપર્સન ડૉ. પ્રમોદ પટેલના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ યોજાયું હતું.
સૂર્યનમસ્કાર અંગે જાણકારી અપાઈ
આ પ્રસંગે ડૉ. પ્રિતેશ પટેલ (આસિસ્ટન્ટ ડિરેક્ટર, ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ) એ વિદ્યાર્થીઓ અને સ્ટાફને સંબોધતા જણાવ્યું હતું કે સૂર્યનમસ્કાર એ શરીર, મન અને આત્માના સર્વાંગી વિકાસ માટે અત્યંત અસરકારક યોગ પ્રક્રિયા છે. તેમણે સૌને દરરોજ પોતાના દૈનિક જીવનમાં સૂર્યનમસ્કારને સ્થાન આપવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને નિયમિત સૂર્યનમસ્કાર કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો, જેથી યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ, સક્રિય અને સકારાત્મક જીવન તરફ આગળ વધી શકાય.
ચારુસેટ સ્ટુડન્ટ્સ વેલનેસ ક્લબ દ્વારા સંચાલન
આ કાર્યક્રમનું સફળ સંકલન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ વિભાગ તથા ચારુસેટ સ્ટુડન્ટ્સ વેલનેસ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું.
“યોગથી સ્વાસ્થ્ય, ચારુસેટથી સફળતા”ના સંદેશ સાથે પૂર્ણ થયેલા આ અભિયાન દ્વારા ચારુસેટ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને માનસિક સુખાકારી પ્રત્યે જાગૃતિ લાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને ચારુસેટમાં વિવિધ યોગ અને વેલનેસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.