શુક્રવાર બાદ શનિ-રવિની અઠવાડિક રજા આવતી હોવાથી બેંકો સળંગ ત્રણ દિવસ બંધ રહેશે
બેંક કર્મચારી-અધિકારી યુનિયનો દ્વારા સપ્તાહમાં પાંચ દિવસ કામ સહિતની અગાઉ થયેલી સમજુતીનો અમલ કરવા સહિતની માગણીઓના ટેકામાં આવતીકાલે રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે જેને પગલે સરકારી બેંકોમાં અબજો રૂપિયાના નાણાંકીય વ્યવહારો ખોરવાય જવાની સંભાવના છે. શુક્રવાર બાદ શનિ-રવિની અઠવાડિક રજા આવતી હોવાથી બેંકો સળંગ ત્રણ દિવસ બંધ રહેશે.
બેંક કર્મચારીઓ-અધિકારીઓના જુદા-જુદા સાત યુનિયનના સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા આ એલાન આપવામાં આવ્યું હોવાથી બેંકોના દરવાજા જ ન ખુલે તેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના છે.
મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેશે તો રોકડ લેવડદેવડ, ચેક ક્લીયરીંગ, આરટીજીએસ સહિતના વ્યવહારો અટકી જશે. રાષ્ટ્રીય લેવલે અબજો રૂપિયાના વ્યવહારો ખોરવાઇ જવાની સંભાવના છે.
સરકારની PLI સ્કીમ સામે પણ વાંધો છે. જેમાં દ્વિપક્ષીય ચર્ચા કરીને ફેરફાર કરવાની માંગ છે. ફાઇવ-ડે વિક વિશે થયેલી સમજુતી મુજબ સોમથી શુક્રવાર સુધી બેંકીંગ કામકાજનો સમય 40 મીનીટ વધારીને દર શનિવારની રજા જાહેર કરવાની સમજુતી થઇ હતી.
બેંક કર્મચારી-અધિકારી યુનિયન દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે બેંકોમાં કામકાજ સપ્તાહમાં પાંચ દિવસ રાખવા બે વર્ષ પૂર્વે સમજુતી થઇ હોવા છતાં તેનો અમલ કરવામાં આવતો નથી.