રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (NPS)ના રોકાણકારો માટે ટૂંક સમયમાં રોકાણના વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે. પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (PFRDA) એ ચાર નવા પેન્શન ફંડને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ ગઙજ હેઠળ પેન્શન ફંડની કુલ સંખ્યા વધીને 14 થઈ ગઈ છે.

PFRDA ના જણાવ્યા અનુસાર, નવા ફંડ મેનેજરોના આવવાથી NPS ગ્રાહકો પાસે રોકાણ માટે વધુ વિકલ્પો હશે અને કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધવાની અપેક્ષા છે. આનો ફાયદો લાંબા ગાળાના રોકાણકારોને મળી શકે છે. રોકાણકાર પાસે કોઈ એક ફંડ મેનેજર પર નિર્ભર રહેવાની મજબૂરી ઓછી થશે. તેઓ અલગ-અલગ ફંડ મેનેજરોના પ્રદર્શન, રોકાણ રણનીતિ, ફી (ચાર્જ) અને સેવાની સરખામણી કરીને નિર્ણય લઈ શકે છે. પ્રાધિકરણના જણાવ્યા અનુસાર, છેલ્લાં 15 વર્ષમાં NPS ની ઓછું જોખમ ધરાવતી યોજનાઓ (ક્નઝર્વેટિવ સ્કીમ) એ સરેરાશ 9.2 થી 9.3 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.
NPSમાં રોકાણ આ રીતે થાય છે
NPS ખાતું ખોલાવ્યા પછી સભ્ય ઇક્વિટી, સરકારી અને કોર્પોરેટ બોન્ડ તેમજ અન્ય રોકાણ વિકલ્પોમાં રોકાણ કરી શકે છે. આ માટે તેમણે એક પેન્શન ફંડ મેનેજરની પસંદગી કરવાની હોય છે. આ પછી તેઓ જાતે પોતાના રોકાણ વિકલ્પની પસંદગી કરે છે.
NPS સભ્ય રોકાણ માટે ‘એક્ટિવ’ અથવા ‘ઓટો’ ઓપ્શનમાંથી પણ પસંદગી કરી શકે છે. NPS સભ્યને કેટલીક શરતો સાથે પેન્શન ફંડ મેનેજર બદલવાની મંજૂરી પણ આપે છે.
વર્તમાન સમયમાં 10 ફંડ મેનેજર અલગ-અલગ રીતે NPS નું સંચાલન કરી રહ્યાં છે. પેન્શન ફંડ મેનેજરનું કામ ગઙજ માં જમા થતી સભ્યની રકમને રોકાણ કરવાનું હોય છે. તેઓ નક્કી કરેલાં નિયમો અનુસાર પૈસા શેરબજાર, સરકારી બોન્ડ, કોર્પોરેટ બોન્ડ અને અન્ય રોકાણના સાધનોમાં રોકે છે. તેમનો ઉદ્દેશ્ય લાંબા ગાળે વધુ સારું રિટર્ન આપવાનો અને રોકાણકારોની પેન્શન રકમ વધારવાનો હોય છે.
સેવા અને તકનીકી સુવિધાઓ મળવાની શક્યતા
નિષ્ણાતોના મતે, વધુ ફંડ મેનેજર હોવાથી રોકાણકારોને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ફંડ પસંદ કરવાની તક મળશે. કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધવાથી વધુ સારી રોકાણ રણનીતિ, બહેતર ગ્રાહક સેવા અને તકનીકી સુવિધાઓ મળવાની શક્યતા પણ વધશે. જો કોઈ ફંડ સતત નબળું પ્રદર્શન કરે છે, તો રોકાણકાર અન્ય ફંડ મેનેજરનો વિકલ્પ પસંદ કરી શકે છે.
નવા ટૂલથી ચકાસી શકાશે કંપનીઓનું પ્રદર્શન
પ્રાધિકરણે ‘પ્રાઇડ-દિશા’ (PRIDE-DISHA) ના નામે નવું ટૂલ શરૂ કર્યું છે, જેની મદદથી અલગ-અલગ પેન્શન ફંડના પ્રદર્શનની સરખામણી કરી શકાય છે. આ સરખામણી સામાન્ય રિટર્નના બદલે રોકાણકારના વાસ્તવિક રોકાણ પેટર્નના આધારે કરે છે.
ફંડ મેનેજર બદલવાથી રિટર્નની ગેરંટી મળતી નથી
ફંડ મેનેજર બદલવાથી રિટર્નની ગેરંટી મળતી નથી, કારણ કે તે બજારની સ્થિતિ અને રોકાણની રણનીતિ પર આધાર રાખે છે. જોકે, ઉત્તમ રોકાણ વ્યવસ્થાપન અને અસરકારક પોર્ટફોલિયોની પસંદગીથી લાંબા ગાળે સારું પ્રદર્શન કરવાની શક્યતા વધી જાય છે.
નવા ટૂલમાં XIRR પદ્ધતિનો ઉપયોગ
નવા ટૂલમાં XIRR પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં રોકાણની રકમ અને દરેક હપ્તાના સમયને ધ્યાનમાં રાખીને વાર્ષિક રિટર્નની ગણતરી કરવામાં આવે છે. આનાથી રોકાણકારોને એ સમજવામાં સરળતા રહેશે કે તેમના નિયમિત રોકાણ પર અલગ-અલગ ફંડ મેનેજરોનું પ્રદર્શન કેવું રહ્યું છે.