ચારધામ યાત્રા-2026નો પ્રારંભ થઈ ગયો છે. છ મહિનાના શિયાળુ વિરામ બાદ અક્ષય તૃતીયાના શુભ અવસરે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં મંદિરના દ્વાર ખુલવાની સાથે જ લાખો શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવ્યો છે. જ્યારે 22મી એપ્રિલના રોજ કેદારનાથ મંદિરના કપાટ પણ ખોલી દેવાયા હતા. આ પ્રસંગે હેલિકોપ્ટરથી મંદિર ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

હરિદ્વાર એટલે આધ્યાત્મિક ઊર્જાનું પ્રવેશદ્વાર
હરિદ્વારને “દેવતાઓનું દ્વાર” કહેવામાં આવે છે, જ્યાંથી હિમાલયમાં આવેલા ચારેય ધામોની યાત્રાનો આરંભ થાય છે. ધાર્મિક માન્યતા મુજબ ગંગા નદી અહીંથી મેદાનોમાં પ્રવેશ કરે છે, તેથી તેને આધ્યાત્મિક ઊર્જાનું પ્રવેશદ્વાર પણ માનવામાં આવે છે.
