અમદાવાદના પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં 18 ઓગસ્ટે સાંજનો પાણી પુરવઠો બંધ રહેશે
સાબરમતી ખાતે જે.પી.ની ચાલી પાસે વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં લીકેજ, સમારકામ માટે 18 ઓગસ્ટે શટડાઉન; 19 ઓગસ્ટે પાણી પુરવઠો ઉપલબ્ધ જથ્થા મુજબ અપાશે

અમદાવાદના પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણીની મુખ્ય લાઈનમાં થયેલા લીકેજના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પાણી પુરવઠાને અસર થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા કોતરપુર વોટર વર્ક્સથી પશ્ચિમ ઝોનના સાબરમતી, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના વિવિધ વિસ્તારોમાં આવેલા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોને પાણી પુરવઠો પૂરો પાડતી 1600 મીમી વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં સાબરમતી ખાતે જે.પી.ની ચાલી પાસે લીકેજ થયું છે. તા.18 ઓગસ્ટ, 2026ના રોજ તેના સમારકામની કામગીરી કરવામાં આવશે.
આ કામગીરીને કારણે કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈન પર આધારિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાંથી તા. 18 ઓગસ્ટના રોજ સાંજનો પાણી પુરવઠો આપી શકાશે નહીં તેમજ તા. 19 ઓગસ્ટના રોજ સવાર અને સાંજનો પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા અનુસાર આપવામાં આવશે.
પશ્ચિમ ઝોનના ઉપરોક્ત વિસ્તારોના નાગરિકોને આ બાબતની નોંધ લઈ જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ અગાઉથી કરી રાખવા તથા સમારકામની કામગીરી દરમિયાન સહકાર આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિનંતી કરવામાં આવે છે.