નિલેશ હિરાણી (મહેસાણા)

બાગાયતી પાકો અને પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોની આવક વધારવા રણેલા ખાતે વિશેષ તાલીમ સંપન્ન
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના રણેલા ગામે ગત તારીખ ૦૬.૧૦.૨૦૨૬ના રોજ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા ખેડૂતોના સર્વાંગી ઉત્થાન માટે એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોમાં બાગાયતી પાકોનું વાવેતર વધારવા, પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો સમજાવવા અને સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આધુનિક ખેતી પદ્ધતિ અંગે તાલીમ મેળવી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં મદદનીશ બાગાયત નિયામકશ્રી એચ.એસ. પ્રજાપતિ તથા બાગાયત અધિકારીશ્રી જી.જે. ચૌહાણ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને વિષયલક્ષી ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટના સી.આર.પી. અને વિવિધ વિભાગના તજજ્ઞોએ ખેડૂતોને બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખેતી ખર્ચ ઘટાડીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે માટે આધુનિક કૃષિ તકનીકો વિશે પણ વિશેષ સમજ આપવામાં આવી હતી.
વર્તમાન સમયમાં રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકતા અધિકારીઓએ ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે બાગાયત વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ સહાયલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપતા ખેડૂતોને સમયસર અરજી કરવા અને સરકારી લાભો મેળવવા અપીલ કરવામાં આવી હતી. યોજનાકીય માહિતીની સાથે ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતુ.
સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન અને તકનીકી માર્ગદર્શન વિભાગના અનુભવી અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ખેડૂતોને બાગાયતી પાકોના વાવેતરમાં વધારો કરવા માટે પ્રોત્સાહિત કરવાની સાથે પરંપરાગત ખેતીમાં આધુનિક અભિગમ કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.