પાર્સલ ટ્રૉલી અને રેલવે ઉપકરણ ડિઝાઈનોનું કર્યું નિરીક્ષણ

મંડળ રેલવે મેનેજર (DRM), અમદાવાદ, વેદ પ્રકાશ એ National Institute of Design (એનઆઈડી), અમદાવાદ સંકુલની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે સંસ્થાનના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો તથા Indian Railways થી સંબંધિત વિવિધ ડિઝાઈન પ્રોજેક્ટ્સનું અવલોકન કર્યું.
રેલવે બોર્ડ અને એનઆઈડી, અમદાવાદના સંયુક્ત સહયોગથી વર્ષ 2015 માં સ્થાપિત રેલવે ડિઝાઈન સેન્ટર (RDC) ભારતીય રેલવેમાં નવીનતાને પ્રોત્સાહન આપવા તથા વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત ડિઝાઈન સમાધાનોને પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત છે. આ સહયોગને વર્ષ 2025 માં પુનઃ વિસ્તારિત કરતાં વર્ષ 2035 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુલાકાત દરમિયાન ડીઆરએમ એ પાર્સલ વ્યવસ્થાપન, સ્ટેશન સંચાલન અને યાત્રીઓની સુવિધાથી જોડાયેલા વિવિધ ડિઝાઈન સમાધાનોનું નિરીક્ષણ કર્યું. વિશેષ રૂપે સ્થાનિક સ્તરે વિકસિત પાર્સલ ટ્રૉલી અને સંબંધિત ઉપકરણોના ડિઝાઈન રજૂ કરવામાં આવ્યા, જેમાં આધુનિક સ્વરૂપ, ઉપયોગમાં સરળતા તથા લોડિંગ-અનલોડિંગ પ્રક્રિયાને વધુ કુશળ બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ટ્રૉલી ડિઝાઈનોનો ઉદ્દેશ પાર્સલને પ્લેટફોર્મથી પાર્સલ વાન સુધી સુગમતાથી પહોંચાડવાનો તથા કોચમાં લોડિંગની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
આ અવસર પર ડીઆરએમ વેદ પ્રકાશ એ જણાવ્યું કે એનઆઈડી દ્વારા વિકસિત આ ડિઝાઈન રેલવે સ્ટેશનો પર કાર્યકુશળતા વધારવામાં, પાર્સલ વ્યવસ્થાપનને ઉત્તમ બનાવવામાં તથા પ્લેટફોર્મ પર ભીડભાડની સમસ્યાને ઘટાડવામાં સહાયક સિદ્ધ થઈ શકે છે. 01.05.2026 ના રોજ એનઆઈડી દ્વારા નિર્મિત પાર્સલ ટ્રૉલીનું અમદાવાદ સ્ટેશન પર રેલવે અધિકારીઓ દ્વારા પરીક્ષણ કરવામાં આવશે.
આ પહેલ દર્શાવે છે કે ટેકનોલોજી અને ડિઝાઈન સંસ્થાન વાસ્તવિક સમસ્યાઓના સમાધાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આ મુલાકાત રેલવે બોર્ડ અને એનઆઈડી વચ્ચે સુદ્રઢ સહયોગ તથા ઉપયોગકર્તા-કેન્દ્રીત, ભવિષ્યલક્ષી સમાધાન વિકસિત કરવાની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
રેલવે ડિઝાઈન સેન્ટર (RDC) મારફતે ભારતીય રેલવેમાં નવીનતાને નવી દિશા આપવા અને યાત્રીઓના અનુભવના ઉત્તમ બનાવવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
