ગાંધીનગર ખાતે કૃષિ વિભાગ અને ISRO (SAC) વચ્ચે ૦૩ ઓક્ટોબરે મહત્વપૂર્ણ MoU થશે
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં હસ્તાક્ષર સમારોહ યોજાશે
– સેટેલાઇટ ઇમેજિંગથી પાક વિસ્તાર, ઉત્પાદન અંદાજ અને નુકસાનનું સચોટ આંકલન કરી ખેડૂતો સુધી વાવણીથી કાપણી સુધીની ‘સ્માર્ટ એડવાઇઝરી’ પહોંચાડાશે
– રિમોટ સેન્સિંગ, GIS અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી અદ્યતન ટેકનોલોજીથી ગુજરાતના સમગ્ર કૃષિ ક્ષેત્રનું થશે ડિજિટલ મોનિટરિંગ
ગુજરાતના કૃષિ ક્ષેત્રને અદ્યતન, વૈજ્ઞાનિક અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાના દિશાસૂચક સંકલ્પ સાથે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૦૩/૧૦/૨૦૨૬ના રોજ રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC), અમદાવાદ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) સંપન્ન થવા જઈ રહ્યા છે.
આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ “રિમોટ સેન્સિંગ, GIS અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રનું ડિજિટલ મોનિટરિંગ કરવું તેમજ પાક વિસ્તાર અને ઉત્પાદનનો સચોટ અંદાજ મેળવવો”નો છે. આ યુગલક્ષી પહેલથી રાજ્યના લાખો અન્નદાતાઓને સમયસર, સચોટ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળશે, સાથે જ સરકારના નીતિવિષયક નિર્ણયો વધુ ઝડપી અને પારદર્શી બનશે.
MoUના મુખ્ય પરિમાણો અને ઉદ્દેશો:
– રાજ્યમાં ડિજિટલ એગ્રીકલ્ચરના સચોટ અમલીકરણ માટે ISRO (SAC) દ્વારા ઉચ્ચસ્તરીય તકનીકી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે.
– રિમોટ સેન્સિંગ અને GIS ટેકનોલોજી દ્વારા પાક વાવેતર વિસ્તાર, ઉત્પાદન ક્ષમતા, પાક નુકસાનીનું મૂલ્યાંકન અને કૃષિ સલાહકારી સેવાઓને વધુ સચોટ બનાવાશે.
– કૃષિ વિભાગ દ્વારા ક્ષેત્રીય માહિતી, પાક કાપણીના પ્રયોગો અને હવામાન સંબંધિત ડેટા પૂરો પાડવામાં આવશે; જ્યારે ISRO (SAC) ઉપગ્રહ આધારિત મૂલ્યવર્ધિત ઇમેજરી અને તકનીકી મોડેલ્સ શેર કરશે.
– વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમોની કાર્યક્ષમતા વધારવા માટે GIS અને રિમોટ સેન્સિંગ જેવા વિષયો પર સંયુક્ત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ખેડૂતો માટે સમૃદ્ધિના નવા દ્વાર
– વાવણીથી લઈને કાપણી સુધી પાકનું સ્વાસ્થ્ય, હવામાનના ફેરફારો, જમીનમાં ભેજનું પ્રમાણ અને વાવણી સંબંધિત અગત્યની કાળજી અંગેની માહિતી ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.
– આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગથી રોગ-જીવાતની ત્વરિત ઓળખ થશે અને તેના નિવારણ માટે સચોટ ભલામણો મળશે.
– AI-સંચાલિત અને મેન્યુઅલ ચેટ-બોટ મારફત ખેડૂતો પોતાના કૃષિ વિષયક પ્રશ્નોનું ક્ષણવારમાં નિરાકરણ મેળવી શકશે.
– કૃષિલક્ષી સહાય યોજનાઓ, સુધારેલું કૃષિ સાહિત્ય અને વિવિધ મંડીઓના બજાર ભાવની માહિતી સરળતાથી મળી રહેશે.
– પૂર, દુષ્કાળ કે કમોસમી વરસાદ જેવી આફતો સમયે પાક નુકસાનીનું સચોટ આંકલન સેટેલાઇટ ઇમેજરીથી થશે, જેથી સરકારી યોજનાઓ અને રાહત-સહાયના પગલાં વિના વિલંબે અમલી બનાવી શકાશે.