Homeમનોરંજનમિસ વર્લ્ડ 2027 સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે ગોવાની સાધ્વી

મિસ વર્લ્ડ 2027 સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે ગોવાની સાધ્વી

ભુવનેશ્વરના કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT) ખાતે આયોજિત 61મી ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ગોવાની સાધ્વી સતીશ સેલે પ્રતિષ્ઠિત ‘મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026’નો તાજ પોતાના નામે કરીને ઈતિહાસ રચ્યો છે.
“ડોટર્સ ઓફ ધીસ સોઈલ” (આ માટીની પુત્રીઓ) ની થીમ પર આધારિત આ ભવ્ય ફિનાલેમાં દેશભરની 30 સુંદરીઓએ ભાગ લીધો હતો, જેમાંથી સાધ્વીએ પોતાની પ્રતિભા, આત્મવિશ્વાસ અને બૌદ્ધિક ક્ષમતાના જોરે વિજય મેળવ્યો હતો.

 

મિસ વર્લ્ડ 2027 સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે
હવે તે આગામી મિસ વર્લ્ડ 2027 સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં મહારાષ્ટ્રની રાજનંદિની પવાર પ્રથમ રનર-અપ અને કેન્દ્રશાસિત પ્રદેશની શ્રી અદ્વૈતા દ્વિતીય રનર-અપ જાહેર થઈ હતી.

સફળ ઉદ્યોગસાહસિક અને મોડેલ પણ છે
મૂળ ગોવાની વતની સાધ્વી સતીશ સેલ માત્ર ગ્લેમર જગત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે એક સફળ ઉદ્યોગસાહસિક અને મોડેલ પણ છે. બાંધકામ અને વિકાસ ક્ષેત્રે કાર્યરત એક કંપનીની તે સહ-સ્થાપક છે. સાધ્વીના વ્યક્તિત્વનું સૌથી પ્રભાવશાળી પાસું તેની ભાષાકીય કુશળતા છે; તે સાત અલગ-અલગ ભાષાઓ બોલી શકે છે.

સચ્ચાઈ અને મૌલિકતાએ દિલ જીતી લીધું
આ ઉપરાંત, તેને મુસાફરીનો ભારે શોખ છે અને તેણે છેલ્લા ત્રણ વર્ષમાં 10 દેશોની એકલા મુસાફરી કરી છે. આ અનુભવોએ તેને આત્મનિર્ભર અને પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવામાં સક્ષમ બનાવી છે. તેની આ જ સચ્ચાઈ અને મૌલિકતાએ નિર્ણાયકોનું દિલ જીતી લીધું હતું.
તાજ પહેર્યા બાદ અત્યંત ભાવુક બનેલી સાધ્વીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ક્ષણ તેના માટે અવિશ્વસનીય છે. તેણે પોતાની જીતનો શ્રેય સંઘર્ષ અને મજબૂત મનોબળને આપતા કહ્યું કે તેણે આ સ્પર્ધા માટે માત્ર ત્રણ મહિના પહેલા જ તૈયારી શરૂ કરી હતી.

ક્યારેય તમારી સરખામણી અન્ય સાથે ન કરો
સાધ્વીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેની સાથી સ્પર્ધકો સાથેનો તેનો સંબંધ ખૂબ જ ગાઢ રહ્યો છે અને તે તમામ તેના માટે વિજેતા જ છે. તેણે યુવાનોને સંદેશ આપતા કહ્યું કે ક્યારેય તમારી સરખામણી અન્ય સાથે ન કરો, કારણ કે તમારી મૌલિકતા જ તમારી સૌથી મોટી તાકાત છે. મિસ ઇન્ડિયા 2025 ની વિજેતા નિકિતા પોરવાલે સાધ્વીને તાજ પહેરાવીને પોતાની જવાબદારી સોંપી હતી.

સંબંધિત લેખો

અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો

જાહેરાત